અનુક્રમણિકા
[છુપાવો]ઇતિહાસ
પૌરાણિક ગુજરાત
વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરિમયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પિશ્ચમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાનાકિનારાના પ્રદેશમાં રહેતા હતા.
ઐતિહાસિક ગુજરાત
લોથલ તથા ધોળાવીરા માંથી સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે. પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહિંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષીણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે. ગુજરાતની સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો. અંગ્રેજ શાસન કાળમાં અને આઝાદી પછી પણ છેક ૧૯૬૦ની ૩૦મી એપ્રિલ સુધી તે બૃહદ્ મુંબઈ રાજ્યનો ભાગ હતું.
પશ્ચિમી શાસન
યુરોપની વિવિધ સત્તાઓનું આગમન ગુજરાતમાં પોર્ટુગલ સાથે થયું, જેણે ઇ.સ. ૧૬૦૦ ગુજરાતના દરીયાકિનારે દમણ અને દીવ, દાદરા અને નગરહવેલી જેવા અલગ અલગ કેન્દ્રોમાં સત્તા સ્થાપી. ૧૬૧૪ માં બ્રિટને સુરતમાં એક ફેક્ટરી નાખી જે તેમનું ભારતમાં પહેલું મથક હતું, ૧૬૬૮માં મુંબઇ મેળવ્યા બાદ સુરતનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૮મી સદીમાં દ્વિતિય અંગ્રેજ-મરાઠા યુદ્ધ દરમ્યાન મોટાભાગના ગુજરાતમાં બ્રિટીશ સત્તા સ્થાપિત થઇ ચુકી હતી. આ રીતે ગુજરાત બ્રિટિશ ભારત નો ભાગ બન્યું. ગુજરાતના કેટલાક ભાગોનો વહીવટ બ્રિટન મુંબઇ રાજ્ય દ્વારા કરતું હતું. ગુજરાતની શાસન વ્યવસ્થા તત્કાલિન બોમ્બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ. ૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્તારો જેવાકે કાઠિયાવાડ, કચ્છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્યના જિલ્લા જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંતો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં.
ભારતની આઝાદી પછીનું ગુજરાત
૧૯૪૭માં ભારતને આઝાદી મળી અને ભારતના ભાગલા પછી ભારત સરકારે ગુજરાતના રજવાડાંઓનું ત્રણ ભાગમાં વિભાજન કર્યું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બૃહદ્ મુંબઇ રાજ્ય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડ દ્વીપકલ્પના તમામ રજવાડાંઓને ભેગા કરવામાં આવ્યા હતાં, જ્યારે મુંબઇ રાજમાં મોટાભાગના પશ્ચિમી અને મધ્ય ભારતનો સમાવેશ થયો હતો. સ્વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્તી ધરાવતા વિસ્તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી. ૧૯૫૬ માં મુંબઇ રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્ર નો, તથા હૈદરાબાદ અને મધ્ય પ્રદેશ રાજ્યોના કેટલાક ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવા મુંબઇ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા, જ્યારે બાકીના ભાગની ભાષા મરાઠી હતી. ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના મરાઠી અલગતાવાદી પરીબળોના આંદોલનોથી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવી લીધો. ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. ૧૯૭૦માં નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી.
૨૬ જાન્યુઆરી ૨૦૦૧ને દિવસે ગુજરાતમાં એક અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં ૨૦,૦૦૦થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇ.સ. ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતનાં ગોધરા રેલ્વે સ્ટેશને અયોધ્યાથી કાર સેવા કરી પરત ફરી રહેલા ૫૭ હિન્દુ રામ ભક્તોને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનાં એક ડબ્બામાં જીવતા સળગાવી દેવાતા કોમી તોફાનો થયાં. જે પછીના રમખાણોમાં ૨,૦૦૦થી વધુ માનવીઓનાં મોત નિપજ્યા હતાં.
ભૂગોળ
ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર અને ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે.
ગુજરાતનું વાતાવરણ મોટે ભાગે શુષ્ક છે. ગુજરાત ના કચ્છ જિલ્લામાં બે રણ પ્રદેશ આવેલા છે, કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનું જંગલ આવેલું છે જે એશીયાઇ સિંહો માટે પ્રખ્યાત છે. ગુજરાત પાસે ૧,૬૦૦ કિ.મી.નો દરિયા કિનારો છે, જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે.[૧૧] આ દરિયા કિનારો કચ્છના અખાત અને ખંભાતના અખાત તથા અન્ય દરિયા કિનારાથી બનેલો છે. સાપુતારા એ ગુજરાત નું એક માત્ર હિલ સ્ટેશન છે.
ગુજરાતના ઉત્તર ભાગ માં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે. આ અરવલ્લીની પર્વતમાળા ગુજરાતમાં આબુ પાસેથી પ્રવેશે છે અને પાવાગઢ પાસે વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે. તારંગા પર્વતમાળા મહેસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે. અરવલ્લી પર્વતમાળાની આરાસુર શાખા દાંતા, ખેડબ્રહ્મા, ઇડર અને શામળાજી થઈને વિંધ્યાચલમાં સમાઈ જાય છે. તાપી જિલ્લામાંથી પસાર થતી સહ્યાદ્રી પર્વતમાળા એ રાજ્યનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે અને તદુપરાંત સૌથી વધુ ગાઢ જંગલો ધરાવે છે.
ગીરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે જે, બરડા પર્વતમાળાનો એક હિસ્સો છે જેની ઉંચાઈ ૧૧૪૫ મીટર અને લંબાઈ ૧૬૦ કિમી છે. તેની ઊંચામાં ઉંચી ટોચ ગોરખનાખ તરીકે ઓળખાય છે.[૧૨]
પાલીતાણા નજીક આવેલી શેત્રુંજય પર્વતમાળા એ જૈનોની પવિત્ર પર્વતમાળામાંની એક છે[૧૩]. તળાજા પર્વતમાળા બૌધ ગુફાઓ માટે જાણીતી છે. કચ્છમાં ૩ પર્વતમાળા આવેલી છે. કચ્છનો પ્રખ્યાત કાળો પર્વત એ કચ્છ અને સિંધ વચ્ચે આવેલી પર્વતમાળા નો હિસ્સો છે. જયારે ઉત્તર તરફની પર્વતમાળા ખડીર અને પ્રાંજલ સુધી જાય છે અને દક્ષીણ તરફની પર્વતમાળા માધથી શરુ થઈને રોહા આગળ સમાપ્ત થાય છે.
જિલ્લાઓ
ગુજરાત રાજ્યમાં કુલ ૩૩ જિલ્લાઓ આવેલા છે.
| ક્રમ | જિલ્લાનું નામ | જિલ્લાનું મુખ્ય મથક | વસતી (૨૦૦૧ વસતી ગણતરી)[૧૪] | વસતી (૨૦૧૧ વસતી ગણતરી)[૧૪] | વિસ્તાર (ચો. કિ.મી.) | વસ્તી ગીચતા (પ્રતિ ચો. કિ.મી.) ૨૦૧૧ | અસ્તિત્વમાં આવ્યાનું વર્ષ |
|---|---|---|---|---|---|---|---|
| ૧ | અમદાવાદ | અમદાવાદ | ૫૬૭૩૦૯૦ | ૭૦૪૫૩૧૩ | ૭૧૭૦ | ૯૮૩ | ૧૯૬૦ |
| ૨ | અમરેલી | અમરેલી | ૧૩૯૩૮૮૦ | ૧૫૧૩૬૧૪ | ૬૭૬૦ | ૨૨૪ | ૧૯૬૦ |
| ૩ | અરવલ્લી | મોડાસા | ૯૦૮૭૯૭ | ૧૦૩૯૯૧૮ | ૩૨૧૭ | ૩૨૩ | ૨૦૧૩ |
| ૪ | આણંદ | આણંદ | ૧૮૫૬૭૧૨ | ૨૦૯૦૨૭૬ | ૪૬૯૦ | ૪૪૬ | ૧૯૯૭ |
| ૫ | કચ્છ | ભુજ | ૧૫૨૬૩૨૧ | ૨૦૯૦૩૧૩ | ૪૫૬૫૨ | ૪૬ | ૧૯૬૦ |
| ૬ | ખેડા | ખેડા | ૧૮૦૬૯૨૯ | ૨૦૫૩૭૬૯ | ૩૬૬૭ | ૫૬૦ | ૧૯૬૦ |
| ૭ | ગાંધીનગર | ગાંધીનગર | ૧૩૩૪૭૩૧ | ૧૩૮૭૪૭૮ | ૨૧૬૩ | ૬૪૧ | ૧૯૬૪ |
| ૮ | ગીર સોમનાથ | વેરાવળ | ૧૦૫૯૬૭૫ | ૧૨૧૭૪૭૭ | ૩૭૫૪ | ૩૨૪ | ૨૦૧૩ |
| ૯ | છોટાઉદેપુર | છોટાઉદેપુર | ૯૦૯૭૯૯ | ૧૦૭૧૮૩૧ | ૩૨૩૭ | ૩૩૧ | ૨૦૧૩ |
| ૧૦ | જામનગર | જામનગર | ૧૨૮૧૧૮૭ | ૧૪૦૭૬૩૫ | ૮૪૪૧ | ૧૬૭ | ૧૯૬૦ |
| ૧૧ | જૂનાગઢ | જૂનાગઢ | ૧૩૮૮૪૯૮ | ૧૫૨૫૬૦૫ | ૫૦૯૨ | ૩૦૦ | ૧૯૬૦ |
| ૧૨ | ડાંગ | આહવા | ૧૮૬૭૧૨ | ૨૨૬૭૬૯ | ૧૭૬૪ | ૧૨૯ | ૧૯૬૦ |
| ૧૩ | તાપી | વ્યારા | ૭૧૯૬૩૪ | ૮૦૬૪૮૯ | ૩૨૪૯ | ૨૪૮ | ૨૦૦૭ |
| ૧૪ | દાહોદ | દાહોદ | ૧૬૩૫૩૭૪ | ૨૧૨૬૫૫૮ | ૩૬૪૨ | ૫૮૩ | ૧૯૯૭ |
| ૧૫ | દેવભૂમિ દ્વારકા | ખંભાળિયા | ૬૨૩૦૯૧ | ૭૫૨૪૮૪ | ૫૬૮૪ | ૧૩૨ | ૨૦૧૩ |
| ૧૬ | નર્મદા | રાજપીપલા | ૫૧૪૦૮૩ | ૫૯૦૩૭૯ | ૨૭૪૯ | ૨૧૫ | ૧૯૯૭ |
| ૧૭ | નવસારી | નવસારી | ૧૨૨૯૨૫૦ | ૧૩૩૦૭૧૧ | ૨૨૧૧ | ૬૦૨ | ૧૯૯૭ |
| ૧૮ | પાટણ | પાટણ | ૧૧૮૧૯૪૧ | ૧૩૪૨૭૪૬ | ૫૭૩૮ | ૨૩૪ | ૨૦૦૦ |
| ૧૯ | પોરબંદર | પોરબંદર | ૫૩૬૮૫૪ | ૫૮૬૦૬૨ | ૨૨૯૪ | ૨૫૫ | ૧૯૯૭ |
| ૨૦ | પંચમહાલ | ગોધરા | ૧૩૮૧૦૦૨ | ૧૬૪૨૨૬૮ | ૩૨૭૨ | ૫૦૨ | ૧૯૬૦ |
| ૨૧ | બનાસકાંઠા | પાલનપુર | ૨૫૦૨૮૪૩ | ૩૧૧૬૦૪૫ | ૧૨૭૦૩ | ૨૪૫ | ૧૯૬૦ |
| ૨૨ | બોટાદ | બોટાદ | ૫૪૭૫૬૭ | ૬૫૬૦૦૫ | ૨૫૬૪ | ૨૫૬ | ૨૦૧૩ |
| ૨૩ | ભરૂચ | ભરૂચ | ૧૩૭૦૧૦૪ | ૧૫૫૦૮૨૨ | ૬૫૨૪ | ૨૩૮ | ૧૯૬૦ |
| ૨૪ | ભાવનગર | ભાવનગર | ૨૦૬૫૪૯૨ | ૨૩૯૩૨૭૨ | ૮૩૩૪ | ૨૮૭ | ૧૯૬૦ |
| ૨૫ | મહીસાગર | લુણાવાડા | ૮૬૧૫૬૨ | ૯૯૪૬૨૪ | ૨૫૦૦ | ૩૯૮ | ૨૦૧૩ |
| ૨૬ | મહેસાણા | મહેસાણા | ૧૮૩૭૬૯૬ | ૨૦૨૭૭૨૭ | ૪૩૮૬ | ૪૧૯ | ૧૯૬૦ |
| ૨૭ | મોરબી | મોરબી | ૮૨૫૩૦૧ | ૯૬૦૩૨૯ | ૪૮૭૧ | ૧૯૭ | ૨૦૧૩ |
| ૨૮ | રાજકોટ | રાજકોટ | ૨૪૮૮૮૮૫ | ૩૦૧૫૨૨૯ | ૭૫૫૦ | ૩૯૯ | ૧૯૬૦ |
| ૨૯ | વડોદરા | વડોદરા | ૨૭૩૨૦૦૩ | ૩૦૯૩૭૯૫ | ૪૩૧૨ | ૭૧૮ | ૧૯૬૦ |
| ૩૦ | વલસાડ | વલસાડ | ૧૪૧૦૬૮૦ | ૧૭૦૩૦૬૮ | ૩૦૩૪ | ૫૬૧ | ૧૯૬૬ |
| ૩૧ | સાબરકાંઠા | હિંમતનગર | ૧૧૭૩૭૩૪ | ૧૩૮૮૬૭૧ | ૪૧૭૩ | ૩૩૩ | ૧૯૬૦ |
| ૩૨ | સુરત | સુરત | ૪૯૯૬૩૯૧ | ૬૦૭૯૨૩૧ | ૪૪૧૮ | ૧૩૩૭ | ૧૯૬૦ |
| ૩૩ | સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર | ૧૩૭૦૮૪૩ | ૧૫૮૫૨૬૮ | ૯૨૭૧ | ૧૭૧ | ૧૯૬૦ |
શહેરો
ગુજરાતનાં મુખ્ય શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, નડીઆદ,પોરબંદર, જૂનાગઢ, પાટણ, ભુજ, ભરૂચ, નવસારી અને મહેસાણા, વગેરેનો સમાવેશ થાય છે. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને વિકસિત શહેર છે. અમદાવાદ નો સમાવેશ મેટ્રોપોલીટીન સીટી માં થાય છે[૧૫].
કુદરતી વિસ્તારો
ગુજરાતમાં ઘણાં અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે, જેમાં જૂનાગઢ નજીકનો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ભાવનગર જિલ્લાનોવેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, નવસારી જિલ્લામાં આવેલો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છના અખાત સ્થીત જામનગર જિલ્લાનાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનઅને ૨૨ અભયારણ્યોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કેટલાંય વન્ય તથા નૈસર્ગીક જોવાલાયક સ્થળો છે જેમકે - બાલારામ અંબાજી, બરડા, જામ્બુઘોડા, જેસ્સોર, કચ્છનું નાનું રણ,કચ્છનું મોટું રણ, નળ સરોવર, નારાયણ સરોવર, પાણીયા, પૂર્ણા, રામપુરા, રતનમહાલ, શૂરપાણેશ્વર, અને કચ્છનાં રણમાં જોવા મળતા જંગલી ઘુડખરો.
એશીયાઇ સિંહ વંશના છેલ્લા પ્રાણીઓ ફક્ત ગુજરાતમાં અસ્તિત્વ બચાવવામાં સફળ રહ્યા છે. જે જુનાગઢ જિલ્લાનાં સાસણ-ગીરઅભયારણ્યમાં જોવા મળે છે.