ધૂમકેતુનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘તણખા'નો પહેલો ભાગ પ્રસિદ્ધ થયો ત્યારે સાહિત્યાવકાશમાં આ તણખાના તેજ સૂર્યની જેમ પ્રકાશી ઉઠયા. પહેલા જ પુસ્તકથી સર્વશ્રેષ્ઠ વાર્તાકાર તરીકે પ્રજામાં હૃદયમાં છવાઈ ગયેલા ગૌરીશંકર ગોવર્ધનરાય જોષી ‘ધૂમકેતુ'નો જન્મ તા.૧૨/૧૨/૧૮૯૨ના રોજ સૌરાષ્ટ્રના હાલ રાજકોટ જીલ્લાના વીરપુર (જલારામ) ખાતે થયો હતો. તેઓ ત્રણ ભાઈ હતા અને ધૂમકેતુ સૌથી નાના હતા. બાલ્યાવસ્થાના તેમના નામ મણીરાય અને ભીમદેવ હતા. તેમના પૂર્વજો બગસરા ભાયાણી પાસેના કેરાળા ગામના વતની હતા. ધૂમકેતુના પૂર્વજોનું કુટુંબ ભાભાના નામથી ઓળખાતું. આ ભાભા કુટુંબના બે વડીલો જીવરામ બાપા અને રતનજી બાપા બંને કેરાળા છોડીને જલારામ બાપાના વીરપુર આવેલા. જીવરામબાપાના વંશજ સ્વ. ગોવર્ધનરાય જોષી સંવત ૧૮૪૧ માં એટલે કે ૧૮૮૬માં વીરપુર આવીને વસ્યા હતા. તેઓએ જીવનભર ગોરપદુ અને વૈદકની સલાહ તથા પોતે બનાવેલી દવાઓ પણ આપતા.
તેઓ મેટ્રીક થયા ત્યાં સુધી તેમની ગણના કવીરાજ તરીકે થવા લાગી હતી. તેમણે બી. એ., એમ. એ., એલ. એલ. બી.નો અભ્યાસ કર્યો. ધૂમકેતુને નાનપણથી વાંચનનો શોખ હતો અને પિતાએ વસાવેલા પુસ્તકો વાંચતા.
ધૂમકેતુએ બીલખામાં સંસ્કૃત ભાષા ઉપર પ્રભુત્વ મેળવ્યુ હતું અને તેઓ શ્રી નથુરામ શર્માની છાયામાં આવવાથી જીવનના ઘડતરમાં ‘શુદ્ધ મનોબળ' નામનો લેખ ધૂમકેતુનો પ્રકાશિત થયો હતો. ૧૯૨૦ સુધીમાં તો તેમણે લેખન ક્ષેત્રે સારી પ્રગતિ કરી. શ્રી અમૃતલાલ શેઠના રાણપુરથી ‘સૌરાષ્ટ્ર' સાપ્તાહિકમાં તેમની ‘પૃથ્વીશ' નવલકથાના હપ્તા શરૂ થયા. ૧૯૨૩માં તેઓ અમદાવાદ ખાતે સ્થાયી થયા હતા.
તેમણે અનેક હૃદયસ્પર્શી, ચોટદાર અને અસરકારક વાર્તાઓ આપી છે. એમનામાં રહેલા શિક્ષકે પ્રૌઢ શિક્ષણ વાંચનમાલા, સંસ્કારકથાઓ, બોધકથાઓ, મહાભારતની વાતો તેમજ ટાગોર - જીબ્રાન વગેરેની વાણી ગુજરાતને પીરસી લોક શિક્ષણનું કાર્ય કર્યુ છે. ‘નવચેતન' માં ‘પૃથ્વીશ' ધારાવહીરૂપે પ્રગટ થઈ હતી. ‘ચાઘર' ની સાહિત્ય ગોષ્ઠિમાં ભાગ લેતા તેમની ‘પોસ્ટ ઓફીસ' નામની વાર્તા દેશ-વિદેશની દસેક જેટલી શ્રેષ્ઠ વાર્તાઓના સંગ્રહમાં સ્થાન પામી. અવંતિનાથ, આમ્રપાલી, ચૌલાદેવી, રાજસન્યાસી, કર્ણાવતી જેવી નવલકથા અને પાનગોષ્ઠિ જેવા નિબંધ સંગ્રહો તેમણે આપ્યા છે.
ગાંધીજીની ચળવળે લોકોનું ધ્યાન શહેરો તરફથી ગામડા તરફ દોર્યુ. તે સમયે ધૂમકેતુની વાર્તાઓ ગામડાની વાતો કરતી આવી પહોંચી. ઘણા બધાનું જીવન ઘડતર કરવામાં આ વાર્તાઓએ પરોક્ષ ફાળો આપ્યો. લોકહૃદયમાં આ વાર્તાઓએ જે સ્થાન મેળવ્યુ છે. તેનું સનાતન મૂલ્ય હંમેશને માટે રહેશે. ગુજરાતના ટુંકી વાર્તાના પ્રથમ કક્ષાના સર્જક તરીકે તેમનું નામ કાયમ રહેશે. અમેરીકામાં ‘ટુ સ્ટોરીઝ ફ્રોમ મેની લેન્ડઝ' વાર્તાસંગ્રહ પ્રકાશિત થયેલ છે. આ પુસ્તકમાં ૪૦ રાષ્ટ્રોની વાર્તા છે. ભારતનું પ્રતિનિધિત્વ પોસ્ટ ઓફીસ (ધ લેટર) વાર્તા કરે છે. તેમના વાર્તાસંગ્રહો અને નવલકથાઓ હિંદીમાં પણ ભાષાંતર થઈ ગયા છે. પોતાનું જીવનચરિત્ર ‘જીવનપંથ' અને ‘જીવનરંગ' તેમણે બે પુસ્તકોમાં આલેખ્યુ છે.
તેમણે ગુજરાતના લોકોને નાના - મોટા ગણીને ૨૦૦ જેટલા પુસ્તકોની ભેટ આપી છે.
બોંતેરમું વર્ષ હતું ત્યારે ‘ધ્રુવાદેવી' નવલકથા લખાઈ રહી હતી ત્યારે તેમને હર્નિયાનો દુઃખાવો થયો અને હોસ્પિટલમાં દાખલ કર્યા. તા. ૧૧/૩/૧૯૬૫ ના રોજ તેમનો સ્વર્ગવાસ થયો. તેમના પત્નિ કાશીબેને તેમની સાહિત્ય સેવાને માટે બહુ પ્રેરણા આપી હતી. શ્રી ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુન્શી જેવા સાહિત્યકારોએ તેમને ભાવાંજલી અર્પી હતી. ધૂમકેતુ નિખાલસ હૃદયના હતા. બહુમુખી પ્રતિભા ધરાવતા ધૂમકેતુ આપણા સૌના માટે ગૌરવરૂપ છે.