વજુ કોટકના ગજબ જવાબો
■ સ: ટાલ પડવાનાં ત્રણ મુખ્ય કારણો ક્યાં?
જ: માથાભારે બૈરી, વધુ પડતી ચિંતા અને શરીરમાં રહેલી ખોટી ગરમી.
■ સ: કોણ કોઈનું સાંભળતું નથી.
જ: ભૂખ્યું પેટ અને ગુસ્સે થયેલા શેઠ.
■ સ: લગ્ન એટલે શું?
જ: બેમાંથી એક અને એકમાંથી અનેક!
■ સ: મારો મિત્ર કહે છે ટાઢનું વજન સવા મણ, દસ શેર અને બે મુઠ્ઠી તો તે કેવી
રીતે?
જ: જ્યારે ઠંડી પડે છે ત્યારે શ્રીમંત સવામણની રજાઈમાં પોઢે છે માટે ઠંડીનું
વજન સવા મણ ગણાય. સાધારણ માણસ દસ શેરની રજાઈ વાપરે છે ત્યાં ટાઢનું વજન દસ શેર થયું, અને ગરીબ માણસ ટુંટિયું
વાળી બે મુઠ્ઠી બંધ કરીને સુએ છે. માટે ત્યાં ટાઢનું વજન બે મુઠ્ઠી થયું.
■ સ: એક વખત હાથમાંથી ગયું તે શું?
જ: સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછી આવતી નથી.
■ સ: શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?
જ: શ્રધ્ધા અને સંસ્કાર.
■ સ: બાળક એટલે?
જ: લગ્નજીવનનું વ્યાજ.
■ સ: શું ખાવાથી માણસો સુધરે છે?
જ: ઠોકર ખાવાથી.
■ સ: ઈશ્વર આપણા હ્રદયમાં કેવી રીતે છુપાયો છે?
જ: જેમ લાકડામાં અગ્નિ છુપાયો છે તેમ.
■ સ: સુખના શત્રુ કોણ?
જ: અસંતોષ, વહેમ અને શંકા
■ સ: કોણ જીર્ણ થતું નથી?
જ: આશા, તૃષ્ણા અને વાસના.
■ સ: કોણ કોઈની પરવા કરતું નથી?
જ: બાળક
■ સ: અંધકારમાં આપણને કોણ વધુ તેજસ્વી લાગે છે?
જ: આવતીકાલ
■ સ: દિલ તૂટી ગયું છે તો શું કરવું?
જ: આશાના મલમપટ્ટા બાંધવા.
■ સ: કાકા, મામા, ભાઈ, બહેન, બાપ હોવા છતાં માતાની ખોટ કેમ પુરાતી નથી?
જ: માતાનો પ્રેમ નિ:સ્વાર્થ હોય છે માટે.
■ સ: શૂરવીરનું પ્રથમ લક્ષણ કયું?
જ: ક્ષમા
■ સ: આ જગતમાં જાતજાતના વાદ ચાલે છે એમાં સૌથી સારો વાદ કયો?
જ: આશિર્વાદ
■ સ: તાજમહાલ શું છે?
જ: આંસુની ઈમારત.
■ સ: માણસ પર કયો ગ્રહ વધારે ખરાબ અસર કરે છે?
જ: પૂર્વગ્રહ
■ સ: સ્ત્રીનું હ્રદય જો પ્રેમની પવિત્ર શાળા હોય તો પુરુષનું હ્રદય?
જ: ધર્મશાળા.
■ સ: મોટામાં મોટી ભૂલ કઈ?
જ: કોઈપણ ભૂલ થયા પછી એને સુધારી લેવાનું ભૂલી જવું એ મોટામાં મોટી ભૂલ !!
💞