◆હું પંદરમી ઓગસ્ટ◆
મારું નામ પંદરમી ઓગસ્ટ છે. વિદ્યાર્થીઓ માટે હું દસ માર્કસનો પરીક્ષામાં પુછાતો નિબંધ છું. સુરક્ષાકર્મીઓ માટે હું ફરજ છું, સરકારી કર્મચારીઓ માટે હું એક માત્ર જાહેર રજા છું અને સમગ્ર દેશવાસીઓ માટે..? કદાચ નિબંધથી વધુ કાંઈ નથી! આજના દિવસે કોકડું વાળીને કબાટમાં ગઈ સાલનો ગોઠવી દીધેલો હશે ત્યાંથી રાષ્ટ્રધ્વજ ગોતવામાં આવે છે. જો એ ધ્વજ ગણેશજીનાં વાહનોનો આહાર બની ગયો હોય તો તાબડતોબ છાનામૂનો નવો ખરીદવામાં આવે છે. કદાચ રાષ્ટ્રગીતના શબ્દો પણ કોઈને યાદ નથી એટલે આબરૂ ન જાય માટે હવે માત્ર એની ટયૂન જ વગાડવામાં આવે છે અને એ પંચાવન સેકન્ડ પણ ઘણા મહાનુભાવો મોબાઈલ પર 'તાકતાં' રહે છે. આ બધું મેં મારી સગી આંખે જોયું છે, કારણ કે હું મૂંગી અને લાચાર પંદરમી ઓગસ્ટ છું.ત્યારબાદ રાબેતા મુજબ નક્કી કરેલાં આઠ-દસ દેશભક્તિ ગીતો ઉપર ભૂલકાંઓ દ્વારા અભિનયગીતો રજૂ કરાય છે. એ બાળકો જેટલી જ અલ્પ સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા એમને વધાવાય છે. ઓક્સિજન ઉપર જીવતી આ મારી હાલત ને એના ઉત્સાહને ટકાવવા દાતાઓ દ્વારા ઈનામો જાહેર કરાય છે. વેટ માટે કે સોનાચાંદીની આયાત નિકાસના અન્યાય માટે ગમે ત્યારે આંદોલન કરવા તૈયાર રહેનારા વેપારીઓએ છેલ્લાં પાંસઠ વરસમાં અડધી કલાક દુકાન બંધ રાખીને મારા માટે રેલી કાઢી હોય કે ધ્વજવંદન કરવા આવ્યા હોય એવું મને સાંભરતું નથી. છતાં હું સર્વને માફ કરું છું, કારણ કે હું સમજદાર અને ઉદાર પંદરમી ઓગસ્ટ છું...!પોતાની જ્ઞાતિના ઉદ્ધારકની જન્મતિથિ ઉપર કે જ્ઞાતિના સરસ્વતી સન્માન સમારંભમાં એક જીસ્જીથી સૂપડા મોઢે એકઠા થઈ જાતા આ દેશવાસીઓને મારા સન્માન માટે પંદર મિનિટ કાઢવાનો સમય નથી? ભારતમાં દેશભક્તિ સાવ 'સીઝનેબલ' થઈ ગઈ છે. પાંસઠ વરસમાં હું ગૌરવ લઈ શકું એવાં પાંસઠ નામ પણ વર્તમાનમાં મારી પાસે નથી રે...નસીબ!આ દેશના એક 'અગત્સ્ય' ઋષિ હાથની અંજલિમાં દરિયાને પી ગયા હતા એ કથા પુરાણ પ્રસિદ્ધ છે પણ આ દેશને આઝાદી પછી તો 'પંદર અગસ્ત' મળ્યા છતાં એ ગરીબોનાં આજ સુધી આંસુ નથી પી શક્યો??? પંદરમી ઓગસ્ટ તરીકે મને મૂંઝારો થાય છે લાલ કિલ્લાની એ દીવાલો જોઈને...! એ લાલ રંગમાં મને ભગતસિંહ અને ચંદ્રશેખરની આંખ્યુનો લાલ રંગ સાંભરે છે. પરેડના કદમતાલમાં મને મંગલ પાંડેની ફાંસી યાદ આવે છે ને હું એક ધબકારો ચૂકી જાઉં છું. શસ્ત્રોનું શક્તિપ્રદર્શન નિહાળીને મને શસ્ત્ર વગર રાષ્ટ્ર માટે લડેલા તાત્યા ટોપે, શ્યામજી વર્મા કે ગાંધીની યાદ આવે છે. મારી પાસે ભવ્ય ભૂતકાળ છે, પરંતુ ઘાયલ વર્તમાનથી ઘવાયેલી પંદરમી ઓગસ્ટ છું.આ દેશને અડધી રાતે આઝાદી મળી છે એટલે હજી દેશવાસીઓ ઊંઘમાં છે. ભ્રષ્ટાચાર, કોમવાદ અને સ્વાર્થની ઉધઈએ મારું મૂલ્ય હણી નાંખ્યું છે. અત્યારની પેઢીને સાવ મફ્તમાં મળેલી આ આઝાદીની કશી કિંમત નથી. એટલે જ યુવાપેઢીને આ દેશમાંથી ભણીગણીને જેટલું બને એટલું જલદી 'ફોરેન સેટલ' થાવું છે.મેં ગાંધીથી લઈ અણ્ણા હઝારે સુધીના ઉપવાસને અનુભવ્યા છે. વોટબેંક માટે 'વંદેમાતરમ્'ન ગાવાવાળા ને ગૌહત્યાના કાયદા માટે મૌન સેવનારાઓને હું રૂબરૂ મળી છું છતાં ભૂલકાંઓનાં અભિનય ગીતો નિહાળી હું રાજી થાઉં છું કે એટલીસ્ટ આ બાળકો ભણશે ત્યાં સુધી તિરંગાને સલામી ભરશે. કદાચ પગભર થઈ ગયા પછી આ દેશમાં તિરંગાની બહુ જરૂર નથી રહેતી. મારું ચાલે તો ધ્વજવંદન હું ફરજિયાત બનાવી દઉં? ધ્વજવંદનનો જેની પાસે સમય ન હોય એને આ દેશમાં રહેવાનો-જીવવાનો કે હક માંગવાનો અધિકાર નથી પણ મારું માને કોણ, હું તો અસહાય પંદરમી ઓગસ્ટ છું..!!!એક અફસોસ આજ પેલ્લી વાર તમને કહું છુ કે કાશ, કસાબ અને અફઝલને ફાંસીથી બચાવનારા આ 'મહાનુભાવજો આઝાદી પહેલાં પણ હોત ને તો આપણે ભગતસિંહ, ખુદીરામ, સુખરામ, મંગલ પાંડે કે સાવરકરને પણ જિવાડી શક્યા હોત!!! પણ હું અભાગણી પંદરમી ઓગસ્ટ છું. સવારના પહોરમાં ટ્રાફિક સિગ્નલ પર પાંચ પાંચ રૂપિયાના પ્લાસ્ટિકના તિરંગા વેચતા દસ વરસના ભૂલકાને જોઈ હું રડી પડું છું. આ બાળક તિરંગો નહીં એનું બાળપણ વેચે છે એ કેમ કોઈને દેખાતું નથી ને ડંખતું પણ નથી?મારી અંતિમ પ્રાર્થના છે કે, "હે મારા ભારતવાસીઓ! મેં ભલે તમને આજે આઝાદી આપી પણ આજના દિવસમાંથી તમે મને મુક્તિ આપો. મારી ઉજવણી બંધ કરી દો. તમારી અલ્પ સંખ્યાની હાજરી મારા શરીર પર ઉઝરડા કરી જાય છે. તમારી બેફિકરાઈ ભરેલી રાષ્ટ્રભક્તિથી હું રોજ રોજ મરું છું મારું રાજીનામું સ્વીકારી લો. તો'ય દસ માર્કસના નિબંધ તરીકે તો હું જીવવાની જ છું ને! પ્લીઝ, મને મુક્તિ આપો હું તરફડું છું. ઝખ્મી બની ને માનવતાથી ડ્રાઈવ થતી અને નિઃસ્વાર્થ રાષ્ટ્રપ્રેમથી ભરેલી કોઈ 'દિવ્ય ૧૦૮'ના ઇંતજારમાં...!જે ધ્વજવંદન કરે છે એને મારા વંદન અને જે નથી કરતાં એને મારા અભિનંદન કે તો'ય ઈ પોતાને ભારતીય ગણે છે વાહ...! આવજો હવે કોઈ'દી નહીં મળીએ.લિ.કદાચ કોઈની નથી રહી એવી અનાથ પંદરમી ઓગસ્ટના જયહિંદ