Jun 15, 2015

રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ

ગોંડલ: સૌરાષ્ટ્રમાં શનિવારે જાણે મેઘરાજાએ અસલી સ્વરૂપ દેખાડ્યું હોય તેમ ઠેરઠેર અડધાથી સાત ઇંચ વરસાદ થયો હતો. ગોંડલ પંથક પર જાણે મેઘરાજાએ મહેર વરસાવી હોય તેમ તાલુકાના બિલિયાળા ગામે ધોધમાર સાત ઇંચ વરસાદ થયો હતો.આ કારણે ગામમાં ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. ગોંડલ પંથકના બિલિયાળા ઉપરાંત પાટખીલોરી, રાણસીકી, વિંજીવડ, દેરડી કુંભાજી, પાંચિયાવદર તેમજ શેમળા ગામમાં પણ દોઢ ઇંચ વરસાદ થયો હતો.

રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં મેઘરાજાએ શનિવારે મહેર કરી હતી. તાલુકાના બિલિયાળા ગામે સાત ઇંચ વરસાદ પડી જતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. ગોંડલ તાલુકા મામલતદાર બોરડના કહેવા મુજબ, બિલિયાળામાં સાંજ સુધીમાં સાત ઈંચ વરસાદ થયો હતો. ભાવનગર જિલ્લામાં વલ્લભીપુર ખાતે એક ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારો મધ્ય ગુજરાતમાં વડોદરામાં 2 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો. પંચમહાલ જિલ્લામાં ઝાપટાં પડ્યાં હતાં.

અમરેલી, ઊના, વિસાવદર પંથકમાં ચાર ઇંચ વરસાદ પડતાં નદીઓ ગાંડીતૂર

અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાનાં રસાળા ગામે 4 ઇંચ, ધારીમાં સાડા ત્રણ, બગસરામાં અઢી, ખાંભામાં 2, લાઠી અને રાજુલામાં 1 ઇંચ, જાફરાબાદમાં અડધો ઇંચ, કુકાવાવમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે  સાવરકુંડલામાં માત્ર ઝાંપટા પડ્યા હતા અને ચલાલાનાં ગોપાલગ્રામ ગામે ગાડુ તણાઇ જતાં ધર્મિષ્ઠા અરજણભાઇ કાલાણી નામની 18 વર્ષની કિશોરી તણાઇ ગઇ હતી. ગીરગઢડા પંથકનાં જંગલ વિસ્તારમાં તો બે કલાકમાં 4 ઇંચ જેવો વરસાદ ખાબકી જતાં ધોકડવા પાસેની રાવલ નદી બે કાંઠે વહેતી થઇ હતી. જયારે વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં રાા થી 3 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો.

દ. ગુજરાતમાં ઉમરપાડામાં સાડા પાંચ ઇંચ વરસાદ

છેલ્લા 16 કલાક દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 5.6 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. પલસાણા તાલુકામાં પણ 3.6 ઈંચ વરસાદ પડ્યો છે. સુરત શહેર અને ચોર્યાસી તાલુકામાં સવારે બે ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. વલસાડ જિલ્લામાં  ઉમરગામમાં ગત રાત્રિ દરમિયાન સાડા ચાર ઇંચ વરસાદ ખાબકતાં વિવિધ વિસ્તારો જળબંબાકાર થઇ ગયાં હતાં. વલસાડમા પણ પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારીના જલાલપોરમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.

વડોદરામાં વીજકરંટ લાગતાં બે ગાયનાં મોત

શહેરના કૃષ્ણ ટોકિઝ પાસેના ભાગ્યોદય કોમ્પ્લેક્ષની બાજુમાં વરસાદના કારણે શોર્ટ સર્કિટ થતાં જીવંત વાયર તૂટીને નીચે ચરી રહેલી એક ગાય તેના સંપર્કમાં આવતાં તેનું મોત નીપજ્યું હતું. એ જ રીતે બીજા બનાવમાં હરણી-વારસિયા ચાર રસ્તા પાસેના સંવાદ કવાર્ટર્સ પાસેના એક મકાનની બહારનો જીવંત વીજવાયર તૂટી પડ્યો હતો. આ વીજવાયરના સંપર્કમાં એક ગાય આવતાં તે પણ મોતને ભેટી હતી.